માજી પ્રમુખશ્રીનું નિવેદન

Untitled design (2)

સુજ્ઞ જ્ઞાતિબંધુજનો,

“કાછીયા” જ્ઞાતિ એટલે ગુજરાતમાં શાકભાજી ઉગાડનાર અને આ જ્ઞાતિ મૂળ પાટીદાર કોમ્યુનીટીમાંથી આવે છે. આનો ઉલ્લેખ મુંબઈ પ્રાંત ગેજેટીયર (૧૮૯૭)માં જણાવ્યા પ્રમાણે આશરે ૪૦૦-૫૦૦ વર્ષ પહેલા આપણી કાછીયા જ્ઞાતિ કણબી / કોળી ખેડૂત તરીકે ઓળખાતી હતી. એવું કહેવાય છે કે રામાયણ, મહાભારતમાં જ્ઞાતિનો “કાચ્છી” તરીકે ઉલ્લેખ છે. જ્ઞાતિના આ લેખમાંના ઉલ્લેખ પ્રમાણે સાત પેટા વિભાગો છે જે નીચે પ્રમાણે છે.

૧) કુણબી / કણબી કાછીયા એ અજવાળિયા કાછીયા તરીકે છે જે ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને થોડા ઘણા ભાવનગર જીલ્લામાં છે.

૨) અંધારિયા કાછીયા ખાસ કરીને અમદાવાદ, ભાવનગર જીલ્લામાં છે. અને તેઓ થોડા ઘણા અંશે ઇસ્લામીક પ્રથા બાળક જન્મ, વિવાહ અને મરણ ક્રિયામાં પાળે છે.

૩) માળી કાછીયા ખાસ કરીને શાકભાજીના ખેડૂત તરીકે છે. અને વસ્તી આખા ગુજરાતમાં છે.

૪) “પીરાણા” કાછીયા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જીલ્લા નવસારી, વલસાડ, મહુવા, માંડવા, સુરત, ભરૂચ જીલ્લાનું હાંસોટ.

૫) “સગર” કાછીયા – સમગ્ર ગુજરાતમાં મળી રહે છે.

૬) “કોળી” કાછીયા – અને તેઓ કોળી પટેલ તરીકે ઓળખાય છે.

૭) “ભક્ત” કાછીયા – ખુબજ નાના પ્રમાણમાં થોડા ગામડામાં મળી આવે છે.

આ ગેજેટમાં દર્શાવ્યા પ્રમાણે કુલ એકંદર ૯ વિભાગો પૈકી ૩ અજવાળિયા, અંધારિયા અને ખંભાત અને ૬ અમદાવાદી, ખમાર, ખત્રી, કોળી, માળી અને સંગઢીયા છે.

ઉપર જણાવેલા પૈકી કુણબી/કણબી/કાછીયા કે અજવાળિયા કાછીયા, અંધારિયા કાછીયા, માળી કાછીયા, પીરાણા કાછીયા, સગર કાછીયા, કોળી કાછીયા / કોળી પટેલ – પાટીલ અને ભક્ત કાછીયા અટક “પટેલ” તરીકે લખે છે. જ્ઞાતિ પૈકી કેટલાક કુટુંબો ધંધાકીય રીતે અટક રાખે છે. જેવી કે, મહેતા, નાણાવટી, મુગટવાલા, પીઠાગરા, મિસ્ત્રી, પેટીગરા વિગેરે કાછીયા જ્ઞાતિ “કશ્યપ ગોત્ર”ના હોવાનો દાવો કરે છે. જુદા જુદા રાજ્યોમાં કાછીયા, કચ્છી, કુશવાહ, મૌર્ય કોયરી, માળી / રામી માળી, ફુલમાળી વિગેરે આપણી કાછીયા જ્ઞાતિના છે.

આપણી વડોદરા જ્ઞાતિ મુખ્યત્વે શાકભાજી વેચનાર નાના મોટા વેપારીઓની છે. ખુબજ ઓછા કુટુંબો એવા છે કે જેમના પુત્ર / પુત્રીઓએ ઉચ્ચ સ્તરનું શિક્ષણ મેળવેલું છે અને તેઓ નોકરી ક્ષેત્રે કાર્યરત છે. પરંતુ શૈક્ષણિક સ્તર નીચું હોવાના કારણે કોઈ મોટા હોદ્દા ઉપર નથી.

આપણા સમાજનું શૈક્ષણિય સ્તર બીજા શહેરોમાં વસતા આપણી જ્ઞાતિજનોના શૈક્ષણિક સ્તર કરતા ઘણુંજ ઓછું રહે છે. આજના સમયમાં આ સ્તર સુધર્યું છે હજી વધુ સુધારવું  જરૂરી છે જે એક વિચાર માંગતો પ્રશ્ન છે. સમાજના બાળકોને ભણાવવામાં બનતી તમામ આર્થિક મદદ પણ જ્ઞાતિ કરે છે. જરૂર છે બાળકોને ભણાવવામાં પ્રોત્સાહિત કરવા ઉપરાંત ભણતા બાળકોના સર્વાંગી વિકાસ પર પુરતું ધ્યાન આપવાની, રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની કોઈપણ સમાજમાં ભણતર તેમના આચાર-વિચાર-શિસ્તએ સમાજનું ઉજ્જવળ પાસું બને છે જેથી આ પ્રસંગે સમાજના જ્ઞાતિજનોને પોતાના બાળકોના શિક્ષણ માટે જાગૃત  થયા છે અને વધુ જાગૃત થવા વિનંતી કરૂં છું. હાલનું, શિક્ષણનું સ્તર પણ જુના શિક્ષણ કરતા ઉંચુ ગયું છે અને હાઇટેક શિક્ષણ કમ્પ્યુટર, ઈન્ટરનેટ ના જમાનાની સાથે આપ આપના બાળકોને તાલ મિલાવતા કરવા તેમજ તેમની થતી પ્રગતિ શૈક્ષણિક ક્ષેત્રે ડિગ્રી, ડિપ્લોમાં મેળવનારા ૭૦ વિધાર્થીઓને દર  વર્ષે રૂપિયા ૫,૦૦૦/- પ્રમાણે  શૈક્ષણિક મદદની રકમ આપવામાં આવે છે તે મુજબ જુન ૨૦૧૯  સુધીના શૈક્ષણિક વર્ષ સુધીની ડિગ્રી / ડીપ્લોમાં મેળવનારા વિધાર્થીઓને કુલ રૂપિયા ૪,૯૧,૦૦૦/- જેટલી શૈક્ષણિક સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રાયમરી સેન્ટરથી કોલેજ સુધીના ભણતા વિદ્યાર્થીઓને લગભગ રૂપિયા ૯૦,૦૦૦/-ના ખર્ચ લાંબા ચોપડા વિના મુલ્યે આપ્યા છે અને દર વર્ષે આપવામાં આવે છે.

વિતેલા વર્ષોમાં “વડીલ વંદના”નો કાર્યક્રમ જેમાં જ્ઞાતિના ૭૦ વર્ષ અને તે ઉપરાંતના જ્ઞાતિજનોનું “શાલ” ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત અશક્ત જ્ઞાતિજનોને ઘેર ઘેર જ્ઞાતિના કાર્યકરોએ જઈને વડીલોનું સન્માન કર્યું હતું. એકંદરે ૧૪૦ જેટલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું . આ પ્રથા વર્ષોવર્ષ ચાલુ રાખવાનું પણ ઠરાવ્યું છે.

ઉપરાંત આપણી જ્ઞાતિના બાળ કલાકારોની કલા બહાર જાહેરમાં લાવવા માટે સમયાંતરે  પ્રયોજીતા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૪ જૂથોએ ભાગ લીધો હતો અને કલાકારોની જહેમત ભરેલી મહેનતથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા. આ બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા દરેક કલાકારોને રોકડ સ્વરૂપમાં સહાય રૂપિયા ૫૪,૦૦૦/- આપી પ્રોત્સાહિત કરેલા હતા . આ પ્રસંગ એક રોમાંચ ખડો કરતા આપ સૌ જોઈ શકશો.

આજદિન સુધી જ્ઞાતિની તમામ પ્રગતિમાં આપ સૌનો અનેરો સાથ સહકાર મળેલો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી આશા સહ વિરમું છું.

શ્રી શામળભાઈ પરસોત્તમદાસ પટેલ

માજી પ્રમુખ

શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરા.