કોઠી ફળિયામાં આવેલ શ્રી કૃષ્ણ મંદિર સૌ વૈષ્ણવોનું જાણીતું માનીતું ધાર્મિક સ્થળ છે. આ મંદિર આશરે ૨૦૦ વર્ષ પુરાણું માનવામાં આવે છે. તે સમયે વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિમાં ૩ તડ (ત્રણ ભાગ) પડેલા કહેવાય છે. (૧) નાનું તડ (૨) મોટું તડ અને (૩) ખંભાતી તડ, કોઠી ફળિયાનું આ મંદિર તે સમયે ખંભાતી તડની માલિકીનું ગણાતું, તડ ફળિયામાં શ્રી રામજી મંદિર મોટા તડનું ગણાતું, હનુમાન ફળિયામાં શ્રી રામજી મંદિર નાના તડની માલિકીનું ગણાતું હતું. વર્ષો બાદ તડો એકત્ર કરી શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્તની સ્થાપના થઇ.
કોઠી ફળિયાનું આ મંદિર તે સમયે શ્રી ગંગા ભારતી મહારાજની મઢી તરીકે ઓળખાતું હતું. આ જુના પુરાણા મકાનમાં શ્રી ગંગા ભારતીના ગાદી સ્વરૂપે (શ્રીફળ)ની સ્થાપના હતી. તેની સાથે નાનું સિસમનું ઘુમ્મટવાળું સિંહાસન હતું. જેમાં શ્રી લાલજી ભગવાન (બાળ સ્વરૂપે) બિરાજતા હતા. ઉત્તરે ગણપતિ મહારાજ, દક્ષીણે હનુમાનજી મહારાજની સ્થાપિત મૂર્તિ હતી. વચ્ચે લાકડાના પાટ પર નાના સ્વરૂપોની સેવા હતી જેની આજે પણ મંદિરમાં સેવા પૂજા અર્ચના વિગેરે ધાર્મિક ક્રીયા ચાલુ જ રહેલી છે.